લોકસાહિત્યકાર દેવાયત ખવડના સરેન્ડર પછી રાજકોટ પોલીસ દ્વારા પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં એસીપી ભાર્ગવ પંડ્યાએ જણાવ્યું હતું કે સર્વેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણા પર દેવાયત ખવડે હુમલો કર્યો હતો.
જે કેસમાં આજે દેવાયત ખવડે સરેન્ડર કર્યું છે. ત્યારે ગુનામાં ઉપયોગમાં લેવાયેલ નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ કારની શોધખોળ હાલ ચાલી રહી છે અને દેવાયત ખવડ જોડે રહેલા અન્ય બે વ્યક્તિની પણ શોધખોળ ચાલુ છે. તેમજ દેવાયત ખવડને આશરો આપનાર સામે પણ પગલા લેવામાં આવશે.
છેલ્લા ઘણા સમયથી બંને પક્ષો વચ્ચે અંગત અદાવત હતી. ત્યારે પાર્કીંગ બાબતે પાડોશી પરાક્રમસિંગ જાડેજા સાથે માથાકૂટ ચાલતી હતી. દેવાયત ખવડને કોર્ટમાં રજૂ કરી કાયદેસરના પોલીસ રીમાન્ડ લેવામાં આવશે અને દેવાયત ખવડ લોકસાહિત્યકાર છે છતાં તેની સાથે આરોપી જેવી જ ટ્રીટમેન્ડ કરવામાં આવશે.
10 દિવસ બાદ સરેન્ડર કર્યું
લોક સાહિત્યકાર દેવાયત ખવડે 10 દિવસ બાદ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું. મયુરસિંહ રાણાને જાહેરમાં ઢોર માર માર્યા બાદથી દેવાયત ખવડ ફરાર હતો. મહત્વનું છે કે, આવતીકાલે ખવડની જામીન અરજી પર સુનાવણી થશે.
‘રાણો રાણાની રીતે’ ફેમ દેવાયત ખવડ સહિત બે શખસે બિલ્ડર પર પાઇપથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં પોલીસ ફરિયાદમાં દેવાયત ખવડ છેલ્લા 10 દિવસથી પોલીસ પકડથી દૂર હતો. ત્યારે હુમલાનો ભોગ બનેલા બિલ્ડર મયૂરસિંહ રાણાએ હવે ન્યાય માટે સીધી જ PMOમાં લેખિત ફરિયાદ કરતા દેવાયત ખવડને પણ રેલો આવ્યો અને સીધો ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થવા દોડી આવ્યો છે.
દેવાયત ખવડ ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થતા જ એ ડિવિઝન પોલીસ પણ તેમનો કબ્જો લેવા પહોંચી ગઈ હતી. બાદમાં દેવાયત ખવડને એ ડિવિઝન પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો.
તેણે મીડિયાને નિવેદન આપતા જણાવ્યું હતું કે, સમય આવશે ત્યારે જવાબ આપીશ. પોલીસ દેવાયત ખવડને લઈને જતી હતી ત્યારે મીડિયાને જોઈને તે હસવા લાગ્યો હતો.
મયૂરસિંહે ફરિયાદમાં પોલીસ કાર્યવાહી ન થતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. PMOમાં કરેલી ફરિયાદમાં 2021માં ઘટેલી ઘટનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમજ PMO સુધી મયૂરસિંહ રાણાએ આ ઘટના અંગેની રજૂઆત કરી તટસ્થ તપાસની માગ કરી છે.
ગુનાહિત ઇતિહાસ ધરાવે છે દેવાયત ખવડ
પોલીસ પકડે નહીં એ માટે દેવાયત ખવડે રાજકોટની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, પરંતુ આ જામીન ન આપવા પોલીસ દ્વારા સોગંદનામું પણ કરવામાં આવ્યું છે. સોગંદનામામાં પોલીસે દેવાયતની ગુનાહિત કુંડળનો ઉલ્લેખ કર્યો છે. દેવાયત ખવડ સામે 3 જેટલા ગુના નોંધાયા હોવાનો ઉલ્લેખ સોગંદનામામાં છે.
પોલીસ કાર્યવાહી નહીં કારી હોવાનો આરોપ
દેવેન્દ્રસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે મયૂરસિંહ ઉપર હુમલો થયો એને આટલા બધા દિવસો વીતી ગયા પણ પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નહોતી. જેથી અમે ક્ષત્રિય સમાજના આગેવાનો પોલીસ કમિશનરને રજૂઆત કરવા આવ્યા છીએ.
તેમની ધરપકડ થાય અને તેમની વિરુદ્ધ જે કાર્યવાહી થતી હોય એ કરવામાં આવે એેવી માગ કરી હતી. જો આવી ને આવી પ્રવૃત્તિ રાજકોટમાં ચાલતી રહી તો બધાને મોકો મળશે અને કાયદો હાથમાં લેશે. લોકો ગેરકાયદે પ્રવૃત્તિ કરતા રહેશે અને તેમને પ્રોત્સાહન મળશે એવું અમને દેખાઇ છે.
શું છે સમગ્ર મામલો?
કાલાવડ રોડ પરની વિષ્ણુવિહાર સોસાયટીમાં રહેતા બિલ્ડર મયૂરસિંહ સંપતસિંહ રાણા (ઉં.વ.42) 7 ડિસેમ્બરના રોજ બપોરે સર્વેશ્વર ચોકમાં ચિત્રકૂટ એપાર્ટમેન્ટ પાસે પાર્ક કરેલી પોતાની કાર પાસે જઈ રહ્યા હતા.
ત્યારે પાછળથી એક કાર ધસી આવી હતી અને કારમાંથી દેવાયત ખવડ તથા એક અજાણ્યો શખસ નીચે ઊતર્યા હતા. મયૂરસિંહ કંઈ સમજે એ પહેલાં જ દેવાયત સહિત બન્ને શખસ ધોકા-પાઇપથી યુવક પર તૂટી પડ્યા હતા અને જાહેરમાં હિચકારો હુમલો કર્યો હતો.
મયૂરસિંહને ધોકા-પાઇપના આડેધડ ઘા ઝીંકી દેવાયત સહિતના શખસ કારમાં નાસી ગયા હતા. હુમલામાં ઘવાયેલા યુવકને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં એ.ડિવિઝન પોલીસ હરકતમાં આવી હતી. પોલીસ આવવાના ભણકારા વાગતાં જ દેવાયત ભૂગર્ભમાં ઊતરી ગયો હતો.
મયૂરસિંહે પોલીસને બે મહિના પહેલાં અરજી કરી હતી
આજથી બે મહિના પૂર્વે મયૂરસિંહે પોલીસમાં કરેલી અરજી અનુસાર, હું તા.23/09/2021ના રોજ રાત્રે તેના કૌટુંબિક મામાના ઘરે બેસવા ગયો હતો. ત્યાંથી હું મારા ઘરે જવા નીકળ્યો ત્યારે મને ખબર પડી કે દેવાયત ખવડે મામાના ઘ૨ની ડેલી સામે ગેરકાયદે ગાડી પાર્ક કરી હતી અને ચાલ્યા ગયા હતા.
જેથી અમે દેવાયત ખવડને આ અંગે જાણ કરી ગાડી હટાવી લેવા જણાવતાં નશામાં ધૂત દેવાયતે મને રિવોલ્વોર દેખાડીને કહ્યું હતું કે’ તારાથી થાય એ કરી લે, ગાડી ત્યાંથી નહીં હટે.
પોલીસ પણ મારી મુઠ્ઠીમાં છે ગમે તે ગુનામાં ફિટ કરાવી દઈશ.’ આવી ધમકી આપી હતી. એ જ રાત્રે અમે પોલીસ બોલાવી હતી. પોલીસે આવીને મામલો થાળે પાડ્યો હતો અને અમારી જ્ઞાતિના મોભીઓએ દેવાયત સાથે અમારું સમાધાન કરાવ્યું હતું.
દેવાયત ખવડ પોલીસ સાથે નિકટ સંબંધ ધરાવે છે
ડાયરા ગજવતા દેવાયત ખવડ દ્વારા મયૂરસિંહ રાણા પર જે રીતના હુમલો કરવામાં આવ્યો એના સીસીટીવી ફૂટેજ પણ પોલીસે જપ્ત કર્યા હતા. પોલીસસૂત્રોનું માનીએ તો દેવાયત ખવડ રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે નિકટ સંબંધ ધરાવે છે. આરોપીઓ સામે કડક વલણ રાખવાનો દાવો કરતા અધિકારીઓ કેમ દેવાયત ખવડ સામેની તપાસમાં ઢીલાશ રાખી એ પણ મોટો સવાલ ઊઠ્યો છે.